પોર્ટેબલ પેટ્રોલ પંપને મળી ગઈ છે મંજૂરી, જાણો કેવી હશે તેની કામગીરી
ભારત સરકારે હાલમાં જ પોર્ટેબલ પેટ્રોલ પંપોના કોન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. બહુ જલદી હવે તમને મિલ્ક બૂથની જેમ આ પ્રકારના પેટ્રોલ પંપો પણ જોવા મળશે.
નવી દિલ્હી: ભારત સરકારે હાલમાં જ પોર્ટેબલ પેટ્રોલ પંપોના કોન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. બહુ જલદી હવે તમને મિલ્ક બૂથની જેમ આ પ્રકારના પેટ્રોલ પંપો પણ જોવા મળશે. જ્યાંથી તમે તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવી શકશો. આ કોન્સેપ્ટ દુનિયાના 35 દેશોમાં હાલ અમલમાં છે. ભારતમાં પહેલીવાર તેનો પ્રયોગ થવા જઈ રહ્યો છે. આવો ત્યારે આપણે જાણીએ કે આખરે કઈ રીતે આ પોર્ટેબલ પેટ્રોલ પંપ કામ કરશે.
આખરે આ છે શું પોર્ટેબલ પેટ્રોલ પંપ?
નામ પ્રમાણે જ ગુણ ધરાવતા આ પોર્ટેબલ પેટ્રોલપંપની ખાસિયત એ છે કે સરળતાથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાશે. તેમાં કન્ટેઈનર સાથે ફ્યુલ ડિસ્પેન્સિંગ મશીન જોડાયેલું હોય છે. આખા યુનિટને ટ્રક પર લાદીને રસ્તા કિનારે રાખવામાં આવે છે. તેને કોઈ સ્થાન પર લગાવવા કે હટાવવા માટે માત્ર બે કલાકનો સમય લાગે છે. આ માટે જમીનની પણ બહુ જરૂર પડતી નથી.
કેવી રીતે કરાશે ઉપયોગ?
તેને મિલ્ક બૂથ કે એટીએમની જેમ જ ઉપયોગમાં લઈ શકાશે. તમે અમુક બટનો પ્રેસ કરીને પેટ્રોલ ડીઝલ કે ગેસનો ઓપ્શન પસંદ કરી શકશો અને પછી જરૂરિયાદ મુજબ પેમેન્ટ કરીને ફ્યુલ લઈ શકશો.
પેમેન્ટ કેવી રીતે કરી શકશે ગ્રાહકો?
પોર્ટેબલ પેટ્રોલ પંપ પર કેશલેસ પેમેન્ટની વ્યવસ્થા હશે. ગ્રાહકો ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઈ વોલેટ, યુપીઆઈ વગેરે દ્વારા કેશલેસ પેમેન્ટ કરી શકશે.
કોઈ કર્મચારી હશે નહીં
પોર્ટેબલ પેટ્રોલ પંપ સેલ્ફ સર્વિસના મોડલ પર કામ કરે છે. અહીં તમને પેટ્રોલ આપવા માટે કોઈ કર્મચારી હશે નહીં. તમારે જાતે જ પોતાની ગાડીમાં ફ્યુલ ભરવું પડશે.
50,000 પોર્ટેબલ પેટ્રોલ પંપ લગાવાશે
દિલ્હી સ્થિત કંપની અલિન્ઝ પોર્ટેબલ પેટ્રોલ પ્રાઈવેટ લિમિટેડે ઝેક રિપબ્લિકને ટેક્નોલોજી પાર્ટનર બનાવ્યો છે. કંપની ભારત સરકાર અને ઓઈલ કંપનીઓ સાથે વાતચીતમાં છે. કંપનીએ આગામી 5-7 વર્ષમાં 50,000 પોર્ટેબલ પેટ્રોલ પંપ યુનિટ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે 400 કરોડ રૂપિયા પ્રતિ યુનિટ રોકાણ સાથે 4-7 યુનિટ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આંતરિયાળ વિસ્તારો માટે વરદાન
શહેરોમાં તો તમને સરળતાથી પેટ્રોલ પંપ મળી જાય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પેટ્રોલ પંપ માટે ખુબ દૂર જવું પડે છે. પોર્ટેબલ પેટ્રોલ પંપ આવા વિસ્તારો માટે વરદાન સાબિત થઈ શકે છે.